DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

હવે મધ્‍યાહન ભોજનમાં સાંજે નાસ્‍તો અને જ્‍યૂસ

હવે મધ્‍યાહન ભોજનમાં સાંજે નાસ્‍તો અને જ્‍યૂસ.
રાજ્‍યની ૭૩ મોડેલ સ્‍કૂલમાં યોજનાનો અમલ શરૂ : મધ્‍યાહન ભોજન ઉપરાંત સાંજે નાસ્‍તો આપવાનું નક્કી કરાયું. મધ્‍યાહન ભોજન યોજનામાં હવે વિદ્યાર્થીઓને સાંજે પોષ્ટિક નાસ્‍તો અને જયૂસ પણ આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાજયની ૭૩ મોડેલ સ્‍કૂલમાં ધોરણ-૬ અને ૯ના વિદ્યાર્થીઓને સાંજે નાસ્‍તો અને જયૂસ અથવા દૂધ આપવામાં આવશે. આ માટે એક વિદ્યાર્થી દીઠ રૂ. ૧૨.૪૦નો ખર્ચ થશે તેવો અંદાજ કાઢવામાં આવ્‍યો છે. આ પાયલોટ પ્રોજેક્‍ટ સફળ થાય તો અન્‍ય સ્‍કૂલમાં પણ આ જ રીતે નાસ્‍તો અને જયૂસ આપવાની વિચારણા કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું. મોડેલ સ્‍કૂલમાં નાસ્‍તા અને જયૂસ સાથે બપોરના સમયે મધ્‍યાહન ભોજન તો આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ૭૩ મોડેલ સ્‍કૂલ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ મોડેલ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્‍યાહન ભોજનની સાથે સાંજે પોષ્ટિક નાસ્‍તો અને જયૂસ અથવા તો દૂધ મળે તે માટેની વિચારણા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિચારણાના અંતે સરકારે મોડેલ સ્‍કૂલમાં મધ્‍યાહન ભોજન સાથે સાંજે નાસ્‍તો તથા જયૂસ આપવાનો નિર્ણય લીધો છે.
પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે રાજયના ૭૩ મોડેલ સ્‍કૂલમાં ધોરણ-૯માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્‍યાહન ભોજન આપવામાં આવશે. જયારે ધોરણ-૬ અને ધોરણ-૯ના વિદ્યાર્થીઓને સાંજે પોષ્ટીક નાસ્‍તો અને દૂધ અથવા જયૂસ આપવાનું નક્કી કરાયું છે. વર્ષના ૨૪૦ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને નાસ્‍તો મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્‍યું છે. (હરિસિંહ જાડેજા)
સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મોડેલ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને ગરમ નાસ્‍તો આપવામાં આવશે. આ માટે જયાં સુધી સ્‍કૂલનું સ્‍વતંત્ર મકાન કાર્યરત ન થાય ત્‍યાં સુધી જે તે શાળા કક્ષાએથી આ વ્‍યવસ્‍થા ઊભી કરવા માટે આદેશ આપવામાં આવ્‍યો છે. આ મોડેલ સ્‍કૂલમાં ધોરણ-૬માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓને મધ્‍યાહન ભોજન યોજના અંતર્ગત સમાવેશ કરીને તે અંગેનો ખર્ચ ભારત સરકાર પાસેથી મેળવવા જરૂરી કાર્યવાહી મધ્‍યાહન ભોજન યોજનાના કમિશનર દ્વારા કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્‍યું હતું.
શિક્ષણ વિભાગના આધારભૂત સૂત્રોએ જણાવ્‍યું હતું કે, હાલમાં તો આ યોજના માત્ર ૭૩ મોડેલ સ્‍કૂલના વિદ્યાર્થીઓ માટે જ અમલમાં મુકવામાં આવી છે. જોકે આ યોજના સફળ થયા બાદ રાજયની અન્‍ય સ્‍કૂલો કે જયાં મધ્‍યાહન ભોજન યોજના અમલમાં છે ત્‍યાં પણ નાસ્‍તો અને જયૂસ આપવાની યોજના શરૂ કરી શકાય તેવી વિચારણા ચાલી રહી છે. જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી પરંતુ મોડેલ સ્‍કૂલમાં યોજના સફળ થયા બાદ આ દિશામાં આગળ કાર્યવાહી થશે તેમ લાગી રહ્યું છે.
કેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે ?
મોડેલ સ્‍કૂલમાં ધોરણ-૯ના એક ક્‍લાસ દીઠ ૪૦ વિદ્યાર્થીઓ પ્રમાણે ૨૯૨૦ વિદ્યાર્થીઓને મધ્‍યાહન ભોજન યોજનાનો લાભ મળશે. જયારે ધોરણ-૬ અને ધોરણ-૯ના ક્‍લાસ દીઠ ૮૦ વિદ્યાર્થી પ્રમાણે ૫૮૪૦ વિદ્યાર્થીઓને સાંજે નાસ્‍તો અને જયૂસ અથવા તો દૂધ આપવામાં આવશે. આમ મધ્‍યાહન ભોજન અને સાંજના નાસ્‍તાનો મોડેલ સ્‍કૂલના કુલ ૮૭૬૦ વિદ્યાર્થીઓને લાભ મળશે.
યોજના માટે કેટલો ખર્ચ થશે ?
આ યોજના હેઠળ ધોરણ-૯ના વિદ્યાર્થીઓને મધ્‍યાહન ભોજન આપવામાં આવશે. જેમાં એક વિદ્યાર્થી દીઠ રૂ. ૧૨.૪૦નો ખર્ચ થશે એટલે કે ૨૯૨૦ વિદ્યાર્થીઓને ૨૪૦ દિવસનો ખર્ચ રૂ. ૮૬.૮૯ લાખ થશે. જયારે નાસ્‍તા અને જયૂસ માટે ૫૮૪૦ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૧૨.૪૦ લેખે ૨૪૦ દિવસનો ખર્ચ રૂ. ૧૭૩.૮૦ લાખ થશે. આમ બંને ખર્ચ મળી કુલ રૂ. ૨૬૦.૭૦ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્‍યો છે.
હવે મધ્‍યાહન ભોજનમાં સાંજે નાસ્‍તો અને જ્‍યૂસ હવે મધ્‍યાહન ભોજનમાં સાંજે નાસ્‍તો અને જ્‍યૂસ Reviewed by UMATIYA ATAULLA on 06:09 PM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.